ગલકુંડ અને પિપલપાડા ખાતે જળસંચયના કામોનો શુભારંભ કરાવતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ

ગલકુંડ અને પિપલપાડા ખાતે જળસંચયના કામોનો શુભારંભ કરાવતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સમગ્ર જિલ્લામાં ૧૪૧૦ થી વધુ રેઈન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરાશે : ૧૩૫૧ વ્યક્તિઓને રોજગારી મળશે પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાનો અનુરોધ કરતા શ્રી વિજયભાઈ પટેલ
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી 'જળસંચય જનભાગીદારી અભિયાન' અંતર્ગત ગલકુંડ અને પીપલપાડા ખાતેથી જળસંચયના કામોનો શુભારંભ કરાવતા, નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, વહી જતા વરસાદી પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાનો અનુરોધ કર્યો હતો. નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, ડાંગ જિલ્લામાં ૧૪૧૦ થી વધુ રેઈન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરી, ૧૩૫૧ વ્યક્તિઓને રોજગારી મળશે, તેમ પણ આ વેળા જણાવ્યું હતું. રેઈન વોટર હાર્વેસ્ટિગના ડિજીટલ મોનિટરીંગ ડેશ બોર્ડના તાજેતરમાં કેન્દ્રીય જળસંચય મંત્રી શ્રી સી.આર.પાટિલના હસ્તે થયેલા લોન્ચિંગનો ખ્યાલ આપી, શ્રી વિજયભાઈ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી, જળસંચય અભિયાન હેઠળ બોર-કુવા રિચાર્જ કરવા, અને રિચાર્જ પીટ હેઠળના રેઈન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરવામાં આવશે, તેમ પણ જણાવ્યું હતું. જળસંચય અભિયાન હેઠળ પાણીરૂપી પારસમણિને સંગ્રહ કરવાના દેશવ્યાપી કાર્યનો પ્રારંભ, પ્રથમ સુરત જિલ્લામાંથી થઈ ચૂક્યો છે. જે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં મોટુ જનઅભિયાન બની રહેશે, તેમ ઉમેરતા શ્રી વિજયભાઈ પટેલે, 'જળસંચય અને જનભાગીદારી' હેઠળ જિલ્લાના બિનઉપયોગી અને બંધ ટ્યુબ વેલને વરસાદી પાણીથી રિચાર્જ કરી, ફરી તે જ પાણીનો ઉપયોગ કરવાનો પણ અનુરોધ કર્યો હતો. અત્યાર સુધી આપણે પાણી મેળવવા માટે બોર કરતા હતા, પરંતુ સમય અને સંજોગોને ધ્યાને લઇને, વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે ભારત સરકારે આ અભિયાન ઉપાડયું છે. તેમ જણાવતા શ્રી પટેલે, આહવા તાલુકાના ગલકુંડ અને પીપલપાડા ગામમાં 'કેઈચ ધ રેન' કાર્યક્રમનાં ખાતમુહર્ત કર્યું હતું. આવનારા સમયમાં આ પ્રોજેક્ટથી ગ્રામ્ય વિસ્તારમા પાણીની સમસ્યાનું નિવારણ લાવી શકાશે. ચોમાસાના વહી જતા પાણીને બોરવેલ અને કુવાઓમા સંગ્રહિત કરી શકાશે. જેથી ઉનાળામાં પાણીનો પ્રશ્ન દૂર કરી શકાશે, તેમ તેમણે કહ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મનરેગા અંતર્ગત હાથ ધરાયેલી આ કામગીરી અંતર્ગત, બોરવેલ નજીક સ્ટ્રક્ચર ઉભું કરી આ પ્રોજેક્ટને સફળ બનાવે તે જરૂરી છે તેમ, ગ્રાજનોને સહભાગી બનવાનું આહવાન કરતા શ્રી વિજયભાઈ પટેલે કહ્યું હતુ. આ પ્રંસગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષા શ્રીમતી મયનાબેન બાગુલ, આહવા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી કમલેશ વાઘમારે, સામાજિક કાર્યકર શ્રી સુભાસભાઈ ગાઇન, શ્રી બચુભાઈ બાગુલ, સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક શ્રી શિવાજી તબિયાર, આહવા તાલુકા વિકાસ અધિકારી શ્રી સુહાસ ગવાંદે સહિત કર્મચારીઓ, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, સને ૨૦૨૪/૨૫ દરમિયાન ડાંગ જિલ્લામાં રૂ.૩૮૯ લાખના અંદાજિત ખર્ચે ૧૩૫૧ ઘર પરિવારને રોજગારી હેઠળ આવરી લેતા ૧૪૧૦ જેટલા આવા કામો હાથ ધરવાનો લક્ષ નિર્ધાર કરાયો છે. જેનાથી ૧ લાખ ૨૪ હજાર ૪૮૦ માનવ દિન ઉત્પન્ન કરાશે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...