સાકરપાતળ ખાતેથી આરોગ્ય વિભાગના કુલ રૂ. ૭૧૭.૨૨ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ
સાકરપાતળ ખાતેથી આરોગ્ય વિભાગના કુલ રૂ. ૭૧૭.૨૨ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ
ગુજરાત સરકારના નવા બજેટમાં 'સુપોષિત ગુજરાત મિશન' અંતર્ગત સ્વસ્થ અને શિક્ષિત ગુજરાત નિર્માણનો અભિગમ સ્પષ્ટ કરાયો છે
શ્રી વિજયભાઈ પટેલ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
ગુજરાત સરકારે રજૂ કરેલા બજેટમાં 'સુપોષિત ગુજરાત મિશન' અંતર્ગત સ્વસ્થ, સમૃદ્ધ અને વિકસિત ગુજરાતની કલ્પનાને સાકાર કરવા માટે, ખાસ કરીને કિશોરીઓના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ લક્ષ કેન્દ્રિત કરાયું છે તેમ જણાવતા, ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ગુજરાત સરકારના બજેટમાં જાહેર આરોગ્યલક્ષી સેવાઓ છેવાડાના માનવીઓ સુધી સુપેરે પહોંચે તેવા સરકારના અભિગમનો ખ્યાલ આપ્યો હતો.
સને ૨૦૪૭ના વિકસિત ભારતમાં જેમની મહત્વની ભૂમિકા રહેવાની છે તેવી આજની કિશોરીઓના પોષણ, આરોગ્ય, અને શિક્ષણને પ્રોત્સાહિત કરતા રાજ્ય સરકારે કિશોરીઓ માટે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, અને નમો શ્રી યોજના જાહેર કરી છે, તેમ પણ આ વેળા જણાવ્યું હતું.
રૂપિયા દસ લાખની વિનામૂલ્યે આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવતા 'આયુષ્માન કાર્ડ' નું મહત્વ સ્પષ્ટ કરતા શ્રી વિજયભાઈ પટેલે જરૂરિયાતમંદ પ્રજાજનો માટે ખૂબ જ આશીર્વાદરૂપ 'માં કાર્ડ' નો સૌને લાભ લેવાનો આગ્રહ કર્યો હતો. ડાંગમાં બીજા તબક્કાની શરૂ થનારી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' દરમિયાન સૌને ફરીથી ઘર આંગણે જ પ્રાપ્ત થનારી વિવિધ સેવાઓનો લાભ લેવાની પણ તેમણે અપીલ કરી હતી.
શ્રી વિજયભાઈ પટેલે ગુજરાત સરકારના બજેટમાં ડાંગની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે નાના અને મધ્યમ કદના ડેમ બનાવી, વહી જતા વરસાદી પાણીને રોકવાનો પ્રયાસ હાથ ધરાયો છે તેમ જણાવ્યું હતું. રૂ. ૮૬૬ કરોડની તાપી નદી આધારિત પાણી પુરવઠા યોજના, ડાંગના ૨૬૯ ગામોની તરસ છીપાવશે તેમ જણાવતા નાયબ મુખ્ય દંડક શ્રી પટેલે ડાંગના પ્રાથમિક સુવિધાઓના કાર્યોમાં સૌનો સાથ જરૂરી છે તેમ કહ્યું હતું.
ગ્રામીણ રસ્તાઓ માટે પણ રાજ્ય સરકારે ખૂબ જ સંવેદનશીલ અભિગમ સાથે કરોડો રૂપિયાના કામો મંજૂર કર્યા છે તેમ જણાવતા શ્રી પટેલે ભૂખ્યાને અન્ન, ખેડૂતોને અપાતી સહાય, આરોગ્ય અને શિક્ષણની અઢળક યોજનાઓ, લખપતિ દીદી યોજના, ગેસ જોડાણ જેવી શ્રેણીબદ્ધ યોજનાઓનો લાભ લઈને, સૌને વિકાસ સાધવાનો અનુરોધ કરતા સૌના સાથ, સૌના વિકાસ, સૌના પ્રયાસ, અને સૌના વિશ્વાસથી આગળ વધવાની અપીલ કરી હતી.
ડાંગ જિલ્લામાં ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સુવિધાઓનો ખ્યાલ આપી, ડાંગને પ્રાપ્ત થઈ રહેલી નવી આરોગ્ય સુવિધાઓ બદલ સૌને શુભકામના પાઠવતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને પ્રજાકિય સુખાકારી માટે જિલ્લા પંચાયત સદાયે પ્રજાજનોની પડખે છે તેમ તેમના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું.
સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે જમીનનું દાન આપનારા દાતા પરિવારનો આભાર વ્યક્ત કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોરે, આદિવાસી વિસ્તારના પ્રજાજનોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવી, જીવનશૈલી પ્રત્યે સજાગતા દાખવવાનો અનુરોધ કર્યો હતો.
આરોગ્ય અને પોષણ પ્રત્યે અમલી વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લઈને સ્વસ્થ જીવન જીવી, સુખાકારી પ્રાપ્ત કરવાની પણ શ્રી ડામોરે તેમના ઉદબોધન દરમિયાન અપીલ કરી હતી. પોતાના વક્તવ્યમાં ઘરઆંગણે ઉપલબ્ધ થઈ રહેલી સેવાઓ બદલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સૌને શુભેચ્છા પણ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, સાકરપાતળ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન કુલ ૧૦૭.૮૬ લાખની કિંમતના ચાર પેટા આરોગ્ય કેન્દ્રો બરડા, કોંશિમદા, માનમોડી, અને આંબાપાડાનું લોકાર્પણ, અને કુલ રૂ.૪૪૯.૩૬ લાખની કિંમતે ત્રણ સ્થળો સાકરપાતળ, સાપુતારા, અને પીપલદહાડ ખાતે તૈયાર થનારા સ્ટાફ ક્વાટર્સ ઉપરાંત રૂપિયા ૧૬૦ લાખના ખર્ચે પાંચ સ્થળોએ તૈયાર થનારા પેટા આરોગ્ય કેન્દ્રો (ગોંડલવિહિર, ગાઢવી, પાંડવા, ભદરપાડા અને બારખાંધ્યા) નું મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ હતુ.
ચાર સ્થળોએ તૈયાર થયેલા અને લોકાર્પણ કરાયેલા પેટા આરોગ્ય કેન્દ્ર બરડા, કોંશિમદા, માનમોડી અને આંબાપાડાનો લાભ આ કેન્દ્રોના કાર્યવિસ્તારના ૧૮ ગામોની કુલ ૧૫૦૬૭ જનસંખ્યાને થશે. જ્યારે કુલ રૂપિયા ૧૬૦ લાખના ખર્ચે તૈયાર થનારા અને મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરાયેલા પેટા આરોગ્ય કેન્દ્ર ગોંડલવિહિર, ગાઢવી, પાંડવા, ભદરપાડા અને બારખાંધ્યા વિસ્તારના ૨૧ ગામોના કુલ ૨૨૪૬૯ લોકોને લાભ પ્રાપ્ત થશે.
આમ, સાકરપાતળ ગામે આયોજિત કાર્યક્રમ વેળા કુલ રૂ.૭૧૭.૨૨ લાખના વિકાસ કાર્યોનું નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.
કાર્યક્રમના પ્રારંભે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ ગામિતે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે અંતે આભારવિધિ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીએ આટોપી હતી.
કાર્યક્રમમાં વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ અધ્યક્ષ શ્રીમતી મયનાબેન બાગુલ, ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત સહિતના હોદ્દેદારો, ડો.દિલીપ શર્મા સહિતના ઉચ્ચાધિકારીઓ, તબીબો, આરોગ્યકર્મીઓ, ગ્રામજનો, લાભાર્થીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Post a Comment