વઘઈ તાલુકામાં ચાલી રહેલા હાથીપગાના 'સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ' ની મુલાકાત લેતા ઉચ્ચાધિકારીઓ

વઘઈ તાલુકામાં ચાલી રહેલા હાથીપગાના 'સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ' ની મુલાકાત લેતા ઉચ્ચાધિકારીઓ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ચાલી રહેલા હાથીપગાની દવાના 'સામૂહિક વિતરણ કાર્યક્રમ' ની મુલાકાત, રાજ્ય કક્ષાના નેશનલ વેક્ટર બોર્ન ડિસિઝના પ્રોજેક્ટ ઓફિસરશ્રી ડો.હિરલ ચૌધરી દ્વારા લેવામાં આવી હતી. જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા વઘઈ તાલુકાના તમામે તમામ ૯૭ ગામોમાં લક્ષિત ૮૯ હજાર ૭૮૩ લોકોને, દવા ગળાવવાના ચાલી રહેલા કાર્યની જાત મુલાકાત લેતા ડો.ચૌધરીએ, આરોગ્ય કર્મીઓ સહિત ગ્રામજનોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વઘઈ તાલુકાના અંતરિયાળ ગામોના દુર્ગમ વિસ્તારોમાં ગ્રામીણ આરોગ્ય કર્મચારીઓ, પ્રત્યેક જન સુધી પહોંચી તેમને હાથીપગ઼ા વિરોધી ગોળી ગળાવી રહ્યા છે. દરમિયાન ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિતે પણ ડુંગરડા ગામે ચાલી રહેલી કામગીરીની જાત મુલાકાત લઈ, ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આરોગ્ય કર્મીઓએ વઘઈ તાલુકાના ઢાઢરા ગામે ચાલી રહેલા કન્સ્ટ્રક્શન સ્થળ અને ઈંટનાં ભટ્ટાની પણ વિઝીટ કરી ત્યાંના શ્રમિકોને પણ ગોળી ગળાવી હતી. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ચાલી રહેલી હાથીપગાની સામૂહિક દવા વિતરણની કામગીરીથી ગ્રામીણ પ્રજાજનોને અવગત કરાવવા માટે, સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા જનજાગૃતિ અર્થે પોસ્ટર અને પત્રિકા તથા ફ્લેશ કાર્ડનું વિતરણ, બેનર્સ, ફ્લેક્ષ ડિસ્પ્લે, ભીંત ચિત્રો-સૂત્રો દ્વારા પણ જનજાગૃતિ કેળવવામાં આવી રહી છે. લક્ષિત ગ્રામ પ્રજાજનો સુધી પહોંચવા માટે આશાથી લઈ આંગણવાડી કાર્યકર, FHW, MPHW, CHO, નર્સિંગ સ્ટાફ, RBSK ટીમ, તમામ તબીબો સહિત તાલુકા/ જિલ્લાના ઉચ્ચાધિકારીઓ કામે લાગ્યા છે. જુદી જુદી ૯૯ જેટલી ટીમો દ્વારા જરૂરી દવાના જથ્થા સાથે તૈનાત આરોગ્ય તંત્ર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિત, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.દિલીપ શર્મા, વઘઇ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.સ્વાતિ પવાર વિગેરેના માર્ગદર્શન હેઠળ, કાર્યક્રમને સફળ બનાવવા માટે કવાયત કરી રહ્યુ છે. સમગ્ર કાર્યક્રમના લાયઝન ઓફિસર તરીકે જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.દિનેશ ગામિત, ટી.બી. મેડિકલ ઓફિસરશ્રી ડો.ગરવિના ગામિત અને લેપ્રસિ ઓફિસરશ્રી ડો.સતિષ ભોયે ફરજરત છે. એમ, જિલ્લા રોગચાળા નિષ્ણાંત ડો.અંકિતા ચૌધરીએ પુરક વિગતો આપતાં જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...