ગિરિમથક સાપુતારા ખાતે રૂપિયા ૩૭૭.૭૬ લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ કરતા ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
ગિરિમથક સાપુતારા ખાતે રૂપિયા ૩૭૭.૭૬ લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ કરતા ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
સાપુતારા પોલીસના કક્ષા-બી ના ૧૬ આવાસોનું લોકાર્પણ કરાયુ
પોલીસ આવાસના લાભાર્થીઓને તેમને મળેલા આવાસને સરકારી મકાન નહિ પરંતુ પોતાના સ્વપ્નનું ઘર સમજવાની અપીલ કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
ડાંગ પોલીસના સામાજિક સુધારણાના વિવિધ પ્રોજેકટની સરાહના કરતા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
ડાંગ અને તાપી જિલ્લા સાથે રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ જોડાવાની મળેલી તકના સંસ્મરણો વાગોળતા ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ, ડાંગ પ્રદેશના લોકોની નિષ્ઠા અને પ્રામાણિકતાની સરાહના કરી, નવનિર્મિત આવાસ જે કર્મચારીઓને ફાળવવામાં આવે, તે આવાસને માત્ર સરકારી મકાન જ નહીં માનતા, પોતાના સપનાનું ઘર તરીકે સમજીને, સુખરૂપ ગૃહપ્રવેશ કરી ખુશીથી પોતાના પરિવાર સાથે જીવન વ્યતિત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
આવાસમાં રહેતા પરિવારોની બહેનોની એક કમિટિ બનાવી આવાસ પરિસરની સ્વચ્છતા જાળવવા સાથે, અહીં રહેતા પોલીસ પરિવારજનોના બાળકોમાં સંસ્કાર બીજનું વાવેતર કરવાનું આહવાન પણ ગૃહમંત્રીશ્રીએ આ વેળા કર્યું હતું. મંત્રીશ્રીએ જિલ્લાના તમામ પોલીસ આવાસો વચ્ચે સ્વચ્છતા બાબતે તંદુરસ્ત સ્પર્ધા યોજવાની પણ અપીલ કરી હતી.
સભ્ય સમાજના નિર્માણ માટે સૌને એક સંસ્કારી નાગરિક બનવાની હાંકલ કરતા ગૃહ રાજયમંત્રીશ્રીએ, ડાંગ પોલીસની સામાજિક સેવાઓને બિરદાવી, સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ ડાંગ જિલ્લા પોલીસ બખૂબી નિભાવી રહી છે તેમ જણાવ્યું હતું. પોલીસની ફરજો સાથે સામાજિક ઉત્થાન માટેના ડાંગ પોલીસના સંવેદનશીલ અભિગમની સરાહના કરતા શ્રી સંઘવીએ, પીડિત પરિવારોની વ્હારે રહી ડાંગ પોલીસ સમાજને સંવેદનશીલતાનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ ડાંગ પોલીસ સહિત ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓએ એક ટિમ બની, ખૂબ જ હકારાત્મકતા સાથે વંચિત પ્રજાજનો સુધી કલ્યાણકારી યોજનાઓની સહાય પહોંચાડવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે, તેમ જણાવ્યું હતું. ડાંગ જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રના વિકાસની રહેલી તકોને પિછાણી, ડાંગના પ્રવાસન સ્થળો, વન વિસ્તારો, પ્રાકૃતિક સ્થળો, ધાર્મિક સ્થળોએ સ્વચ્છતાને પ્રાધાન્ય આપી, અહીંના પ્રાકૃતિક સ્થળોની જાળવણીની હિમાયત પણ તેમણે આ વેળા કરી હતી.
સૌને સ્વચ્છતાના આગ્રહી બનવાની અપીલ કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જિલ્લાના પ્રજા પ્રતિનિધિઓની જાગરૂકતાને બિરદાવી સૌને એકજુટ થઈને વિકાસ પથ પર આગળ વધવાની શુભકામનાઓ પાઠવી, ડાંગ પોલીસના વિવિધ પ્રકલ્પોના લાભાર્થીઓને વિવિધ લાભો પણ એનાયત કર્યા હતા.
પોલીસકર્મીઓની સેવા અને નિષ્ઠાને બિરદાવતા તેમની કદરરૂપે સુવિધાયુક્ત આવાસો પુરા પાડવાની પહેલ ગુજરાત રાજ્ય સરકારે કરી છે. જે બદલ તેમનો આભાર વ્યક્ત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે પોતાના ઘર કુટુંબથી દુર રહીને પ્રજાજનોની સલામતી અને સુરક્ષાને પોલીસકર્મીઓ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે તેમ તેમના પ્રાસંગિક વક્તવ્યમાં આ વેળા જણાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે ડાંગ પોલીસના પ્રોજેકટ દેવી, પ્રોજેક્ટ સંવેદના, તથા પ્રવાસી મિત્ર જેવા સંવેદનશીલ કાર્યોની ઝાંખી પણ રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનીલ પાટીલે આભારવિધિ આટોપી હતી.
ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કાર્યક્રમ સ્થળે ડાંગ પોલીસ દ્વારા 'ગાર્ડ ઓફ ઑનર' અપાયું હતું. ત્યાર બાદ મંત્રીશ્રીએ ઉપસ્થિત મહાનુભાવો સાથે નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કરી, પ્રજાજોગ સંબોધન કર્યું હતું.
સાપુતારા ખાતે પધારેલા મંત્રીશ્રીની સાથે જિલ્લા/તાલુકાના પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, સંગઠનના હોદ્દેદારો સહિત ઇન્ચાર્જ કલેકટર શ્રી બી.બી.ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી વાબાંગ જામીર, નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, હોટલ એસોસિએશનના સેક્રેટરી શ્રી તુકારામ કરડીલે, પોલીસ આવાસ અને વિવિધ પ્રોજેકટના લાભાર્થીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના પોલીસ આવાસ નિગમ દ્વારા તેની સ્થાપનાથી અત્યાર સુધીમાં કુલ ૫૦ હજાર ૯૧૯ જેટલા વિવિધ કક્ષાના રહેણાંકના મકાનોનું બાંધકામ રૂા.૫૧૮૫.૬૫ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે. તેમાંથી ૪૧,૦૨૭ જેટલા મકાનોનું બાંધકામ રૂ. ૨૯૬૭.૮૯ કરોડના ખર્ચે પૂર્ણ કરી, વપરાશના હેતુસર પોલીસ/જેલ વિભાગને સોંપી પણ દેવામાં આવ્યાં છે.
આ ઉપરાંત નિગમ દ્વારા બિનરહેણાંકના મકાનો જેવા કે પોલીસ સ્ટેશન, આઉટ પોસ્ટ, ચેકપોસ્ટ, એસ.પી.ઓફિસ, બેરેક, જેલ, એમ.ટી.સેકશન વિગેરેના બાંધકામની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં નિગમ દ્વારા ૩૫૯૦ જેટલા વિવિધ પ્રકારના બિનરહેણાંકના મકાનોનું બાંધકામ રૂા.૨૯૨૮.૧૪ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી ૩૨૨૪ જેટલા મકાનોનું બાંધકામ રૂા.૧૯૫૩.૩૦ કરોડના ખર્ચે પૂર્ણ કરી, વપરાશના હેતુસર રાજય સરકારશ્રીને સોંપવામાં આવ્યા છે.
આ ઉપરાંત નિગમ દ્વારા પોલીસ વિભાગના રહેણાંક તેમજ બિનરહેણાંકના મકાનોની મરામત અને નિભાવની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. જે માટે રાજય સરકારશ્રી દ્વારા દર વર્ષે અંદાજપત્રમાં જોગવાઈ કરવામાં આવે છે.
પોલીસ કર્મચારીઓને સુવિધાયુકત મકાન પુરૂ પાડવાના હેતુસર રાજય સરકાર દ્વારા પોલીસ કોન્સ્ટેબલો/જેલ સિપાહીઓને બે રૂમ રસોડા (1 BHK) ને બદલે ત્રણ રૂમ રસોડા (2 BHK)નું મકાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે રૂા.૧૭૯૨.૨૨ કરોડના ખર્ચે ૭૪૯૪ મકાનોનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત રૂા.૮૬૩.૦૯ કરોડના ખર્ચે ૨૬૬ બિન રહેણાંકના પ્રોજેકટ પ્રગતિ હેઠળ છે. આમ, કુલ રૂા.૨૬૫૫.૩૧ કરોડના કામો હાલમાં વિવિધ તબકકે પ્રગતિ હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમની રચના તા.૧.૧૧.૧૯૮૮ના રોજ કંપની ધારા,૧૯૫૬ હેઠળ રાજય સરકારશ્રી દ્વારા પોલીસ વિભાગ માટે રહેણાંક તેમજ બિનરહેણાંકના મકાનોનું બાંધકામ તેમજ તેની મરામતની કામગીરી ઝડપથી થાય તે માટે કરવામાં આવી છે. પોલીસ આવાસ નિગમ દ્વારા ગૃહ વિભાગ હેઠળના વિભાગો, પોલીસ, જેલ, ન્યાય સહાયક વિજ્ઞાન, એ.સી.બી., હોમગાર્ડ વિગેરે માટે રહેણાંક તેમજ બિનરહેણાંકના મકાનોનું બાંધકામ તેમજ તેના મરામતની કામગીરી કરવામાં આવે છે.
-

Comments
Post a Comment