ભીના ભીના વરસાદી માહોલમા ડાંગ જિલ્લાના વઘઇ ખાતે તિરંગો લહેરાવતા ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલ

ભીના ભીના વરસાદી માહોલમા ડાંગ જિલ્લાના વઘઇ ખાતે તિરંગો લહેરાવતા ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલ
 સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

આઝાદીના અમૃત મહોત્સવ' ના સમાપન ટાણે 'મેરી માટી, મેરા દેશ' અને 'હર ઘર તિરંગા' સાથે ખડો થયો દેશભક્તિનો અનોખો માહોલ

તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનુ કરાયુ સન્માન
ડાંગના જિલ્લા કક્ષાના વઘઇના કાર્યક્રમ સાથે આહવા તાલુકાનો કાર્યક્રમ ટાકલીપાડા ગામે અને સુબિરનો કાર્યક્રમ કેશબંધ ખાતે યોજાયો

ભીના ભીના વરસાદી માહોલમા ડાંગ જિલ્લાના વઘઇ ખાતે તિરંગો લહેરાવતા ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે, સૌને 'આઝાદીના અમૃત મહોત્સવ'ની ઉજવણીના સમાપન સાથે યોજાયેલા સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી હતી.

દેશ સમસ્તની જેમ 'આઝાદીના અમૃત મહોત્સવ' ના સમાપન સમારોહ સાથે 'મેરી મિટ્ટી, મેરા દેશ' અને 'હર ઘર તિરંગા' સાથે ડાંગ જિલ્લામા પણ ખડા થયેલા દેશભક્તિના અનોખા માહોલની સરાહના કરતા કલેક્ટરશ્રીએ તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનુ અભિવાદન, સન્માન પણ કર્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, ડાંગના જિલ્લા કક્ષાના વઘઇના કાર્યક્રમ સાથે આહવા તાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ ટાકલીપાડા ગામે, અને સુબિર તાલુકાનો કાર્યક્રમ કેશબંધ ખાતે યોજાયો હતો. 

વઘઇ સ્થિત ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન કલેકટર શ્રી પટેલે ખુલ્લી શણગારેલી જીપમા પરેડ નિરીક્ષણ કરી, પ્રજાજનોનુ અભિવાદન ઝીલી, પ્રજાજોગ ઉદબોધન રજૂ કર્યું હતુ.

કાર્યક્રમના ભાગરૂપે ડાંગ પોલીસના જવાનોએ માર્ચ પાસ્ટ યોજી હતી. રાષ્ટ્રધ્વજને અહીં એકવીસ રાયફલોના ફાયરિંગ (હર્ષ ધ્વનિ) સાથે સલામી અપાઈ હતી. મહાનુભાવોએ શાળાના પટાંગણમા વૃક્ષારોપણ પણ કર્યું હતુ.

પ્રજાજોગ ઉદબોદ્ધન દરમિયાન કલેકટર શ્રી મહેશ પટેલે ડાંગના વિકાસની રૂપરેખા વર્ણવી હતી. શ્રી પટેલે જિલ્લામા શિક્ષણ, આરોગ્ય, આદિજાતિ વિકાસ, પાણી પુરવઠા, રમત ગમત, ગ્રામ વિકાસ વિગેરેના કાર્યોની વિગતો રજૂ કરી હતી.

કલેક્ટરશ્રીએ 'નશામુક્ત ભારત' માટે સૌને હાંકલ કરી સ્વસ્થ ભાવિ પેઢીના નિર્માણ માટે પણ અનુરોધ કર્યો હતો. તેમણે શુદ્ધ હવા, પાણી, અને પર્યાવરણ જેવા કુદરતી સ્ત્રોતોનો સમજપૂર્વક ઉપયોગ કરવાની હિમાયત કરી હતી. કલેકટરશ્રીએ ડાંગ જિલ્લાને શ્રેષ્ઠ મહેસુલી સેવા માટે મળેલા 'ભૂમિ સન્માન' એવોર્ડ, અને હિલ મિલેટ રિસર્ચ વર્ક, NAU, વઘઈ અને કૃષિ વિભાગ, ડાંગને મિલેટ્સ ઈયર સંદર્ભે મળેલા 'સ્કોચ' સિલ્વર એવોર્ડ બદલ શુભકામનાઓ પાઠવી હતી.

સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીના ભાગરૂપે વઘઇ તાલુકાના વિકાસ માટે ₹ ૨૫ લાખ, અને સુબિર તથા આહવા તાલુકાને રૂપિયા પાંચ પાંચ લાખનુ વિશેષ અનુદાન અર્પણ કરાયુ હતુ.

દરમિયાન ડાંગ પોલીસ દ્વારા પરેડ કમાન્ડર શ્રી જય વળવીની રાહબરી હેઠળ હથિયારી પોલીસ, અને મહિલા પોલીસ, પોલીસ બેન્ડ, હોમગાર્ડ, અને ગ્રામ રક્ષક દળના જવાનોની માર્ચ પાસ્ટ અને પરેડ યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ રમતવીરો, શિક્ષકો, 'મેરી માટી, મેરા દેશ' અને 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત યોજાયેલી વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓ, કાર્યક્રમો કરનારી શાળાઓ, બોર્ડની પરીક્ષાઓમા સો ટકા પરિણામ લાવનાર શાળાઓ, પ્રતિભાશાળી શિક્ષકો, યોગાચાર્યો, પોલીસ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ વિગેરેનુ જાહેર સન્માન કરાયુ હતુ. કાર્યક્રમના ઉદઘોષક તરીકે શિક્ષકો સર્વશ્રી વિજય ખાંભુ અને સંદીપ પટેલે સેવા આપી હતી.

વઘઇના જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાર્યક્રમમા ડાંગના વાસુરણા અને પિમ્પરી રાજવીશ્રીઓ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટિલ, વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ, તાલુકાના અધિકારીઓ સહિત તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો, સમાજ સેવકો, નગરશ્રેષ્ઠીઓ, નગરજનો, શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ, શાળા/મહાશાળાના વિદ્યાર્થીઓ મળી અંદાજે ૧૮૫૦ થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય કાર્યક્રમ બાદ જિલ્લા પ્રશાસન દ્વારા વઘઇ સી.એચ.સી. ખાતે આયોજિત 'રક્તદાન કેમ્પ' ની પણ કલેકટરશ્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત લઈ, રક્તદાતાઓ અને આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...