વઘઇ ખાતે યોજાયો ૭૪મો વન મહોત્સવ

વઘઇ ખાતે યોજાયો ૭૪મો વન મહોત્સવ
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

ડાંગના પ્રજાજનોને જન્મ દિવસ જેવા શુભ અવસરે એક એક વૃક્ષ વાવવાની અપીલ કરતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ

વન વિભાગની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરવા સાથે વૃક્ષારોપણ કરતા મહાનુભાવો

‘વન મહોત્સવ’ દરમિયાન ડાંગમાં ૭ લાખ રોપાઓનું વાવેતર કરતુ વન વિભાગ
ડાંગ અને પ્રત્યેક ડાંગીજનોની ઓળખ, માન-સન્માન, અને સમગ્ર જીવન જંગલને આભારી છે, તેમ જણાવતા ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જીવનમાં વનોની મહત્તા સ્પષ્ટ કરતા, સૌને તેની જાળવણીનું આહ્વાન કર્યું હતું.૭૪માં વન મહોત્સવના કાર્યક્રમની જિલ્લા કક્ષાની ઉજવણીના અધ્યક્ષ સ્થાનેથી બોલતા શ્રી વિજયભાઈ પટેલે, ડાંગના પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિ પૂજક પ્રજાજનો જ, જંગલના સાચા રક્ષકો છે તેમ કહ્યું હતું. જંગલમાં વસતા આદિજાતિ પરિવારોનું વન આધારિત જુદી જુદી યોજનાઓના સથવારે તેમનું જીવન ધોરણ બદલાયું છે તેમ પણ તેમણે જણાવ્યુ હતું. તેમણે વન વિભાગની અઢળક યોજનાઓનો લાભ લઈને પ્રજાજનોને સ્વયં જાગૃતિ કેળવી, પોતાના જંગલનું રક્ષણ કરી, ભાવિ પેઢીને સમૃદ્ધ વન વારસો આપી જવાની હિમાયત કરી હતી. ડાંગના જાગૃત પ્રજાજનોને જુદી જુદી યોજનાઓનો લાભ આપીને, અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના સથવારે, પારદર્શક વહીવટને કારણે લાયક અને જરૂરિયાતમંદોને યોજનાકિય લાભો મળી રહ્યા છે, તેમ પણ તેમણે આ વેળા જણાવ્યુ હતું. ક્લસ્ટર આધારિત વિકાસ યોજનાઓની હિમાયત કરતાં શ્રી વિજયભાઈ પટેલે વિકાસમાં અવરોધ ઊભો કરતા તત્વોને ઓળખીને તેમને જાકારો આપવા, અને સારુનરસુ સમજી, જે તે વખતે સમર્થન આપવું કે નહીં આપવું તેનો નિર્ણય લેવા પણ તેમણે જણાવ્યુ હતું. ડાંગમાંથી વહી જતાં પાણીને શ્રેણીબદ્ધ ચેકડેમોના નિર્માણોથી રોકીને, અહીની ધરાને તરબોળ કરવા સાથે પ્રજાજનોની પાણીથી જરૂરિયાત સંતોષવાની હાંકલ કરતા શ્રી વિજયભાઈ પટેલે પ્રજાજનોની જમીન ડુબાણમાં ન જાય, અને પાણી પણ અહીના લોકોને મળી રહે તેવા કાર્યોમાં સૌનો સહકાર જરૂરી છે તેમ વધુમાં જણાવ્યુ હતું. મસેઠેપાળે વૃક્ષારોપણની અપીલ કરતા શ્રી વિજયભાઈ પટેલે દરેક પ્રજાજનોને જન્મદિવસ જેવા પ્રસંગે ફરજિયાત એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવાનું આહ્વાન કર્યું હતું. જીવ સાથે વન નો અખૂટ નાતો એટલે જીવન. તેમ જણાવતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે ‘કોરોના’ ના કાળમાં અનુભવેલી મુશ્કેલી બાદ, સૌને ઓક્સિજનનું મૂલ્ય સમજાઈ ગયું છે તેમ જણાવી, જીવનમાં વૃક્ષોનું મહત્વ સૌએ સ્વીકારવું જ પડશે તેમ તેમના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યુ હતું.ડાંગની વનાચ્છાદિત પ્રકૃતિ અને નૈસર્ગિક સૌંદર્યને માણવા અને જાણવા માટે આવતા હજારો પ્રવાસીઓ, માત્ર અને માત્ર જંગલોને આભારી છે તેમ જણાવતા પ્રમુખશ્રીએ, પ્રવાસીઓની ચહલપહલથી સ્થાનિક રોજગારીનું પણ નિર્માણ થઈ રહ્યું છે તેમ કહ્યું હતું. શ્રી મંગળભાઈ ગાવિતે ભાવિ પેઢીને જંગલોનો સમૃદ્ધ વારસો આપવા માટે આપણે સૌએ જંગલને બચાવવું પડશે તેમ જણાવ્યુ હતું. પ્રમુખશ્રીએ આ વેળા પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ વર્ણવ્યુ હતું. ડાંગની સાચી ઓળખ અંહીના જંગલ છે, તેમ જણાવતા દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિપ્રસાદ રાધાકૃષ્ણનએ આગામી દિવસોમાં ગિરિમથક સાપુતારા ખાતે ‘કવચ વન’ તૈયાર કરાશે તેમ જણાવ્યુ હતું. પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં શ્રી રવિપ્રસાદે વન જતન, સંવર્ધન આર્થિક ઉપાર્જનનું માધ્યમ છે, તેમ કહ્યું હતું. ડાંગના લોકોને જંગલ જાળવણીની અપીલ કરતા શ્રી રવિપ્રસાદે ડાંગના જંગલની ગીચતા અને વન વિસ્તાર વધારવામાં સૌને સહભાગી થવાની હિમાયત કરી હતી. 
ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત' ની થીમ સાથે યોજાયેલા 'વન મહોત્સવ' દરમિયાન એગ્રિકલ્ચર કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડો.જે.જે.પસ્તાગિયા એ પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરી 'વન મહોત્સવ' નો ઉદ્દેશ સ્પષ્ટ કરી વન વિકાસનો વૈજ્ઞાનિક અભિગમ વર્ણવ્યો હતો.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...