મુડત ગામે જીત લાયબ્રેરી ખાતે સફળ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
મુડત ગામે જીત લાયબ્રેરી ખાતે સફળ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
ગ્રામજનોના સહયોગથી વર્ષ ૨૦૧૮માં લાયબ્રેરીનો પ્રારંભ કરાયો હતો. ગત વર્ષે ગામના ૪ યુવાન યુવતિ સખત પરિશ્રમ કરી કોલેજના અદ્યાપક થી લઈ ક્લાર્ક સુધી સરકારી નોકરી મેળવવામાં સફળ થયા
સુરત જિલ્લાના મહુવા તાલુકાનું મુડત ગામ એક સમયે પંકાયેલુ ગામ કહેવાતું હતું. સો ટકા આદિવાસી વસ્તી ધરાવતા ગામના શિક્ષિત-નોકરિયાત યુવાનોએ ગામને એક તાંતણે બાંધી સારુ સંસ્કારી ગામ બનાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો . ગ્રામજનોની એકતાને કારણે લાયબ્રેરીના માધ્યમથી શિક્ષણની જ્યોત ચોમેર પ્રસરી ગામના દરેક બાળક લાયબ્રેરીમાં અચૂક આવે અને સારૂ જ્ઞાન મેળવે તે માટે ગામના યુવાનો સતત સંઘર્ષ કરતા રહ્યા પરિણામે ફલસ્વરૂપે આજે ગામના ૪ યુવાન-યુવતિઓને સરકારી નોકરી મળી ત્યારે ગામમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો.
અખિલ ગુજરાત સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ યજ્ઞેશભાઈ પાવાગઢીના અધ્યક્ષ સ્થાને ગામ આગેવાનોની ઉપસ્થિતિમાં તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ મુડત ગામે જીત લાયબ્રેરી ખાતે આ નવયુવાન-યુવતિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રેરક પ્રસંગે યજ્ઞેશ પાવાગઢીએ જણાવ્યું હતું કે દરેક નાના-મોટા તમામ વિદ્યાર્થીઓ લાયબ્રેરીમાં આવી નિયમિત વાંચન કરે અને એક ગોલ નિશ્ચિત કરી આયોજનબધ્ધ મહેનત કરે તો ચોક્કસ સિધ્ધિના મુકામ ઉપર પહોંચી શકે છે. UPSC કે GPSC ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝંપલાવી ઉચ્ચ હોદૃદા મેળવવા અનુરોધ કર્યો હતો. વધુમાં નોકરી મેળવનારે કર્મયોગી ભાવના રાખી નાનામાં નાના માણસ અથવા અરજદારને સંતોષ થાય તેવો વ્યવહાર કરવા જણાવ્યું હતું.
ઢોડિયા સમાજ,વ્યારાના પ્રમુખ કલ્પેશભાઈ ઢોડિયાએ કારિકર્દી અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે શિક્ષણ મેળવવા કે નોકરી માટે માટે બહાર જવુ પડે તો પણ તમામ તૈયારીઓ સાથે ઉત્સાહભેર જવુ. સમાજનો વિકાસ કરવો હોય તો શિક્ષણ એકમાત્ર વિકલ્પ છે. આપણે વધુ લોકોને શિક્ષણમાં મદદ કરવાની ભાવના રાખવાની છે.
ખાનપુરના નિવૃત્ત શિક્ષક છત્રસિંહભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને શિસ્ત, અનુશાસન અને ટેકનોલોજીના સદઉપયોગની માહિતી પીરસી હતી.જીવનમાં સારા સંસ્કાર કેળવીને સારા મિત્રો બનાવવા અપેક્ષા વ્યક્ત કરી હતી.
મુડત ગામના યુવાનોના માર્ગદર્શક નિવૃત્ત કર્મચારી ગમનભાઇ ચૌધરીએ ગામના તમામ નાગરિકોને જ્ઞાનધામ એવી લાયબ્રેરીનો નિયમિત ઉપયોગ કરી આદર્શ જીવન બનાવવા આહવાન કર્યું હતું. તેમણે વર્ષો પહેલા ગામની પરિસ્થિતિથી લોકોને અવગત કર્યા હતા કે મુડત ગામ પહેલા કુખ્યાત તરીકેની છાપ ધરાવતુ હતું ગામના વિકાસ માટે કોઈ પહેલ નહોતુ કરતું. આજે ગામલોકો એક બન્યા અને સૌ ભેગા મળી શિક્ષણની સુવાસ ફેલાતા અમારૂ ગામ વિકાસ માટે અગ્રેસર બની રહેશે. ગામના ખેડૂતો અને પશુપાલકોએ પોતાની યથાશક્તિ યોગદાન આપીને આત્મનિર્ભર લાયબ્રેરી બનાવવામાં આવી છે. જેના થકી ગામ સમૃધ્ધ બને એવી ભાવના વ્યક્ત કરી હતી.
જીત લાયબ્રેરીના પ્રેરક અભિગમને પગલે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ બનેલા ઉમેદવારોમાં મુડત ગામના વિજ્યાબેન ચૌધરી, આસી.પ્રોફેસર અમદાવાદ, પ્રિયાંક એમ ચૌધરી,સિનિ.ક્લાર્ક,સિંચાઈ વિભાગ ઉકાઈ, અક્ષયભાઈ ચૌધરી, સિ.નિ. કલાર્ક- ખાણ-ખનિજ વિભાગ ગોધરા,પ્રજ્ઞેશભાઈ વી.ચૌધરી, કોન્સ્ટેબલ, કામરેજ માં ફરજ બજાવી રહ્યા છે.
આ પ્રસંગે નળધરા સરપંચ અતુલભાઈ ચૌધરી,ગામના આગેવાન મોહનભાઈ,કનુભાઈ,ઉંચામાળા પ્રાથમિક શાળાના આચાર્ય સંજયભાઈ ચૌધરી, યુવા શિક્ષકો અમરીસિંહભાઇ ચૌધરી, કુંવરજીભાઈ ચૌધરી,શાંતિલાલ ચૌધરી, સહિત મોટી સંખ્યામાં ભાઈઓ ,બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ઉત્સાહભેર વધાવ્યો હતો. નિયમિત લાયબ્રેરીમાં અભ્યાસ માટે આવનાર બાળકોને નોટબુક આપી પ્રોત્સાહિત કરાયા હતા. સરકારી સેવામાં નિમણૂંક પામનાર યુવાઓએ દરેક બાળકોને મદદરૂપ બનવાની કટીબધ્ધતા વ્યક્ત કરી હતી. તમામે પોતાના અનુભવો કહી યુવા પેઢીને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. આભારવિધિ નિવૃત્ત અધિકારી અરવિંદભાઈએ આટોપી હતી.
Comments
Post a Comment