વઘઈ કૃષિ યુનિવર્સીટીમા 'મિલેટ વર્ષ' ની ઉજવણી કરાઈ...
વઘઈ કૃષિ યુનિવર્સીટીમા 'મિલેટ વર્ષ' ની ઉજવણી કરાઈ
ડાંગ જિલ્લાના લોકોનુ નાગલી ( રાગી ) સાથે જીવન જોડાયેલ છે - શ્રી વિજયભાઈ પટેલ
આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષની ઉજવણીના ભાગરૂપે, વઘઈ કૃષિ યુનિવર્સીટીમા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા મિલેટ ફેસ્ટિવલ - 2023ની ઉજવણી કરવામા આવી હતી.
મિલેટ વર્ષ શિબિરમા પ્રાકૃતિક ખેતી તરફ વળી, મિલેટ પાકોના ઉત્પાદન વધારવા માટે નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામા આવ્યો હતો. પ્રકૃતિ સાથે રહી જૂની પદ્ધતિઓ અપનાવી મિલેટ પાકોની જાળવણી કરવા માટે પણ શ્રી પટેલ દ્વારા વધુમા જણાવાયુ હતુ.
ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરતા પ્રાકૃતિક ખેતી માટે સરકાર દ્વારા અનેક સહાય યોજનાઓનો લાભ આપવામા આવે છે. ગાય નિભાવ ખર્ચ, ખેડૂત સન્માન નિધિ યોજના વગેરેનો વધુમા વધુ લાભ લેવા માટે પણ શ્રી વિજયભાઈ દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામા આવ્યો હતો. આ ઉપરાંત ગત રોજ વિધાનસભામા રજૂ થયેલ બજેટમા ડાંગ જિલ્લાને મેડિકલ કોલેજ મળવા બદલ તેમણે સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
માનવજાતના સ્વાસ્થ્ય માટે વડાપ્રધાનશ્રી દ્વારા મિલેટવર્ષ ઉજવણીને પ્રોત્સાહન આપવામા આવી રહ્યુ છે. ત્યારે મિલેટ વર્ષ ઉજવણીના ભાગરૂપે પ્રાચીન પદ્ધતિનો સમન્વય કરી ખેતીમા નાગલી અને વરાઈ જેવા પાકોનુ ઉત્પાદન વધારવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત દ્વારા અનુરોધ કરવામા આવ્યો હતો.
હલકા ધાન્યથી આરોગ્ય સંપદા જાળવણી, સ્વાસ્થ્ય સુધારવા માટે, ખેતી નિયામક શ્રી એમ.કે. કુરેશીએ જણાવ્યુ હતુ.
વઘઈ કૃષિ યુનિવર્સીટીના પ્રોફેસર શ્રી પાટિલે જણાવ્યુ હતુ કે, મિલેટ હલકું તૃણ ધાન્ય જે પોષક તત્વોથી ભરપૂર છે. મિલેટના આ વર્ગમા ભારતમા જુદા જુદા ધાન્ય થાય છે. ધીરે ધીરે આ ધાન્ય અદ્રશ્ય થવાના આરે હતા. જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીને કારણે હવે જીવંત થશે. આ ધાન્યની ખેતીમા વિશ્વમા ભારત અગ્રેસર છે. વિશ્વના કુલ ઉત્પાદનમા 41% હિસ્સો એકલા ભારતનો જ છે. ઘાસ કુળનુ આ ધાન્ય ગ્લુટેન ફ્રી હોય છે. બીજું તેમા ફાઇબરનુ પ્રમાણ વધુ હોવાથી કબજિયાત રહેતો નથી. દરેક રોગનુ મૂળ કબજિયાત જ હોય છે, અને આ રોગનું નિદાન-ઉપાય એ હલકા ધાન્યો છે.
હલ્કા ધાન્ય પાકો એ સૌથી જૂના અને જાણીતા પરંપરાગત ખોરાક તરીકે પ્રચલિત છે. આ પાકોમા વિવિધ ધાન્ય પાકો જેવા કે બાજરી, જુવાર, બાવટો, કાંગ, કોદરી, સામો (મોરૈયો) નો સમાવેશ થાય છે. ડાંગ જીલ્લામાં સૌથી વધારે નાગલી પાકનુ વાવેતર 14,300 હેક્ટર અને ઉત્પાદન 11,755 મેટ્રિક ટન થાય છે.
હલકા ધાન્યો શરીરમા એનર્જી વધારવા માટે, ગર્ભવતી મહિલાઓ માટે, મોટાપાને દૂર કરે છે, હાડકા અને હ્રદયની તંદુરસ્તી વધારે, પાચન ક્રિયા વધારે, ડાયાબિટીસ દૂર કરે તેમજ મગજ શાંત કરે છે
મિલેટ શિબિરમા જિલ્લા ખેતીવાડી સમિતિના અધ્યક્ષા શ્રીમતી સવિતાબેન, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદભાઈ પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટ શ્રી સંજયભાઈ ભગરીયા, ખેતીવાડી વૈજ્ઞાનીકશ્રી તેમજ મોટી સંખ્યામા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment