ડાંગ જિલ્લામા મકરસંક્રાંતિ દરમિયાન ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા/ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ
ડાંગ જિલ્લામા મકરસંક્રાંતિ દરમિયાન ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા/ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ
ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.એ.ગાવિત દ્વારા ઉત્તરાયણના તહેવાર દરમિયાન, સમગ્ર ડાંગ જિલ્લામા ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા/ઉપયોગ કરવા ઉપર હંગામી પ્રતિબંધ ફરમાવાયો છે.
આગામી તા. ૧૪/૦૧/૨૦૨૩ના રોજ મકરસંક્રાંતીનો તહેવાર આવતો હોય, ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમા આ તહેવાર નિમિત્તે કેટલાક લોકો જાહેર માર્ગો રસ્તાઓ ઉપર પતંગ ઉડાડે છે, અને કપાયેલ પતંગો અને દોરો વિગેરે મેળવવા હાથમા લાંબા ઝંડા, વાંસ વગેરે લઈ રસ્તાઓ, ગલીઓમા, શેરીઓમા દોડાદોડ કરતા હોય છે, જેના કારણે ટ્રાફીકને અડચણ થાય છે, તેમજ રસ્તા ઉપર, ગલીઓમા શેરીઓમા ટેલીફોન/ઇલેક્ટ્રીકના તાર ઉપર લંગર નાખી ભેરવાયેલા પતંગ કાઢવાના પ્રયત્નો કરે છે, તેથી બે ઈલેક્ટ્રીકના વાયરો ભેગા થવાથી શોટ સર્કીટની તથા તાર તૂટી જવાની સંભાવના રહેલી છે.
આ ઉપરાંત પતંગ ઉડાડવા માટે ઘણા લોકો ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરતા હોય, ચાઈનીઝ દોરો કોઈ વ્યક્તિના શરીર પર પડે ત્યારે તે વ્યક્તિના શરીરના અંગો કપાઈ જવાનો ભય રહે છે. તેમજ પતંગ ઉડાડવાના દોરાના કારણે પક્ષીઓને ઈજાઓ પહોંચવા તથા તેઓના મોતના બનાવ પણ બને છે.
ઉપરાંત સરકારશ્રીના ગૃહ વિભાગના આદેશ અનુસાર તથા તાજેતરમા છેલ્લા કેટલાક સમયના અનુભવ પરથી જણાયેલ છે કે ઉત્તરાયણ/અન્ય તહેવારો વખતે ચાઈનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્ન ખુબજ વધારે પ્રમાણમા આકાશમા ઉડાડવામા આવે છે. તુક્કલમા હલ્કી ક્વોલીટીના સળગી જાય તેવા વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે તેમજ સળગતી તુક્કલ ગમે ત્યા પડવાના કારણે જાનમાલ, અને સંપત્તિને નુકશાન થાય છે. આથી આવી બાબત નીવારવા, તેમજ નામદાર હાઈકોર્ટના ના. ૨૨/૧૨/૧૫ ના આદેશ મુજબ, અત્રેના તાબા હેઠળના વિસ્તારમા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૦૧/૦૧/૨૦૨૩ થી તા.૨૫/૦૧/૨૦૨૩ સુધી ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા/ઉપયોગ કરવા ઉપર હંગામી પ્રતિબંધ ફરમાવી, સી.આર.પી.સી. ની કલમ ૧૪૪ હેઠળ જાહેરનામુ તેમજ નીચે મુજબના કૃત્યો પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.
પ્રતિબંધિત કૃત્યો
(૧) કોઈપણ વ્યક્તિઓએ જાહેર રસ્તા ઉપર પતંગ ઉડાડવા ઉપર,
(૨) હાથમા લાંબી વાંસ કે ધાતુની પટ્ટીઓ, દોરી કે તારના લંગર વિગેરે લઈ કપાયેલા પતંગો તથા દોરા પકડવા જાહેર રસ્તાઓ પર અથવા જાહેર સ્થળો કે સરકારી કચેરીઓના પરિસરમા દોડાદોડી કરવા ઉપર,
(૩) મોબાઇલ ટાવર/ઇલેકટ્રીક પોલ કે ઇલેક્ટ્રીકના તાર કે ઇલેકટ્રીક ટ્રાન્સફોર્મરની પ્રતિબંધિત
જગ્યામા દોરાના લંગરો નાંખવા ઉપર,
(૪) જાહેર મિલકત વાળા મકાનના ધાબા ઉપર, જર્જરીત મકાનના ધાબા ઉપર, બાંધકામ પ્રગતિમા હોય તેવા મકાનના ધાબા ઉપર ચડીને પતંગ ઉડાડવા ઉપર,
(૫) આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમા લાઉડ સ્પીકર વગાડવા ઉપર,
(૬) આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર કોઇપણ પ્રકારના ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર,
(૭) પ્લાસ્ટીક/સિન્થેટીક મટીરીયલ, ટોક્સીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-ડીગ્રેડેબલ હોય તેવી દોરી/ચાઈનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટીક ચાઈનીઝ બનાવટના ચાઈનીઝ દોરા તથા આયાતી દોરાના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાનો ઉપયોગ કરી
પતંગો ઉડાડવા ઉપર,
(૮) ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના જથ્થાબંઘ વેપાર તથા આયાત કરી, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ ઉપર/ઉડાડવા ઉપર,
(૯) પતંગના તાર/દોરાને જાહેર રસ્તા/જાહેર સ્થળોએ ફેંકવા ઉપર,
આ જાહેરનામુ તા. ૦૧/૦૧/૨૦૨૩ થી તા.૨૫/૦૧/૨૦૨૩ સુધી (બંન્ને દિવસો સહિત) લાગુ રહેશે. તેમજ ડાંગ જિલ્લાના સમગ્ર હદ વિસ્તારમા લાગુ પડશે. ગુજરાત સરકારશ્રી દ્વારા નક્કી કરવામા આવે તે સ્થળે પતંગ મહોત્સવ યોજી શકાશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.
Comments
Post a Comment