રામેશ્વર ખાતે ભાવસભર વાતાવરણમા યોજાયો ચાર દાયકા જુના મિત્રોનો મન નો મેળાવડો

રામેશ્વર ખાતે ભાવસભર વાતાવરણમા યોજાયો ચાર દાયકા જુના મિત્રોનો મન નો મેળાવડો
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

જેના સ્મરણ માત્રથી મન અને શરીર પાવન થઈ જાય, તેવી પુણ્યસલીલા સૂર્યપુત્રી મા તાપી મૈયાના પવિત્ર તટે શ્રી રામેશ્વર મહાદેવના સાંનિઘ્યે, ધ માંડવી હાઈસ્કૂલ-માંડવીના સને ૧૯૮૦ થી ૧૯૮૫ની બેચના વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ એવા ચાર દાયકા જુના મિત્રોનો ચોથો *મન નો મેળાવડો* ખૂબ જ ભાવસભર વાતાવરણમા યોજાઈ ગયો.
ચાર ચાર દાયકા અગાઉ સાથે રમતા, સાથે જમતા, અને સાથે ભણતા એ સાંઇઠેક જેટલા ટાબરીયાઓ કે જેઓ ખુદ હવે તેમના પૌત્ર પૌત્રીઓને રમાડતા અને જમાડતા થઈ ગયા છે, તેવા મિત્રોએ દિલ થી હળી મળી તેમના બાળપણ અને વિદ્યાર્થીકાળના સંસ્મરણોને ફરી એક વાર તાજા કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, માંડવીના આ મિત્રવૃંદનો પહેલો મેળાવડો માંડવી હાઈસ્કૂલ (દત્ત મંદિર) ખાતે મળ્યો હતો. તો બીજો દાંડીના દરિયા કિનારે, ત્રીજો મેળાવડો કાકરાપાર ખાતે, અને આ ચોથો *મન નો મેળાવડો* રામેશ્વર ખાતે યોજાયો હતો.

સપરિવાર ભેગા થયેલા આ મિત્ર પરિવારોએ અહીં ગીત, સંગીત, મિમિક્રી સાથે વધતી ઉંમરને ક્ષણિક ભૂલીને, પોતાના બાળપણને ફરી જીવંત કર્યું હતુ. ગરમા ગરમ ચા નાસ્તા સાથે સમૂહ ભોજનનો રસાસ્વાદ માણતા મિત્ર પરિવારોએ, એકમેકને મળી અનોખો અહોભાવ અને સંતોષ વ્યક્ત કર્યો હતો.

*મન ના મેળાવડા* મા છેક વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અને તાપી થી મિત્ર પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. તો દરિયાપારથી પધારેલા પ્રવાસી પંખીઓ જેવા મિત્રોએ પણ અહીં હાજરી નોંધાવી, સહપાઠીઓ સાથેના સંસ્મરણોને તેઓ વિદેશમા પણ જાળવી શક્યા છે તેનો ગર્વ મહેસુસ કર્યો હતો.

મિત્રોના આ વૃંદમા જેઓ ઉપસ્થિત નથી રહી શક્યા તેવા દેશ દેશાવરના મિત્રોએ, વસવસો વ્યક્ત કરવા સાથે ઓનલાઇન હાજરી નોંધાવી ટેકનોલોજીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

સોશિયલ મીડિયાના આગમન બાદ, ચાર ચાર દાયકા જુના મિત્રોને શોધી શોધીને એક માળામા પરોવી, ફરી એક વાર એક છત નીચે એકત્ર કરવાનુ ભગીરથ કાર્ય પાર પડાયુ છે ત્યારે, ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગ સાથે હમેશા એકમેકના સંપર્કમા રહેતા આ મિત્ર વૃંદે, જિંદગીની ભાગદોડમા વિખુટા પડેલા લોકોને ફરી એક તાંતણે બંધાવા માટેની પ્રેરણા પુરી પાડી છે.

નાત જાત, ધર્મ સંપ્રદાય, ઊંચ નીચ, અને અમીરી ગરીબીની સીમારેખાની પેલે પાર જઈને, નોખી અનોખી પ્રતિભાઓથી સંપન્ન આ રંગબેરંગી મિત્ર પરિવારે, એંસી વર્ષ જુના હાવર્ડ યુનિવર્સિટીના અને હજારો વર્ષ જૂની આપણી ઋષિ પરંપરાના ધર્મગ્રંથોના અભ્યાસ મુજબ, વ્યક્તિની ખુશીનુ રહસ્ય સારા મિત્રોમા રહેલુ છે તે તારણને અહીં તાદશ્ય કર્યું હતુ. 

આ મિત્ર પરિવારોએ જિંદગી ડોકટરની ગોળી સાથે નહિ, મિત્રોની ટોળી સાથે જીવવાની હોય છે તેમ સ્પષ્ટપણે જણાવી, ગાઢ સંબંધો પૈસા અને પ્રતિષ્ઠા કરતા પણ વધુ મહત્વના છે તે ફરી એક વાર સાબિત કર્યુ છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...