હીરાઉદ્યોગમાં રશિયાની હીરાની રફના અભાવે વેપાર ગંભીર રીતે પ્રભાવિત થઇ રહ્યો છે....
સામાન્ય રીતે ઉનાળામાં કેટલાક હીરા એકમોમાં એક અઠવાડિયાનું વેકેશન રાખવામાં આવે છે
સરદાર ન્યૂઝ:-(અક્ષય વાઢેર.સુરત)રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધના લીધે રશિયા પર મુકાયેલા પ્રતિબંધને લીધે છેલ્લા દોઢ મહિનાથી અલરોસા માઇન્સથી રફની સપ્લાઇ બંધ છે. અલરોસા માઇન્સમાંથી નીકળતા હીરા સુરતના હીરાઉદ્યોગમાં મોટા પાયે ઉપયોગમાં લેવામાં આવે છે. અત્યાર સુધી હીરાઉદ્યોગકારો પાસે રહેલા સ્ટોકને લીધે ઉત્પાદન ચાલુ હતું પરંતુ હવે સ્ટોક સમાપ્ત થતા હીરાઉદ્યોગકારોને મુશ્કેલી નડી રહી છે. સુરતમાં ૩૦ ટકા રફ ડાયમંડ રશિયાથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે,
પરંતુ હવે ઇમ્પોર્ટ બંધ થતા હીરાઉદ્યોગકારોને ઉત્પાદન બંધ કરવાની નોબત આવી છે. અત્યાર સુધી હીરાઉદ્યોગકારોએ તેમની પાસે પડેલા સ્ટોકના આધારે કામના કલાકો ઘટાડીને અને અઠવાડિયામાં બે રજાઓ કરીને પણ કારખાનાઓ ચાલુ રાખ્યા હતા. પણ હવે સ્ટોક ખૂટતા હીરાઉદ્યોગકારો મુંઝાઇ રહ્યા છે. સ્કૂલોમાં પણ વેકેશન હોવાથી કેટલાક કારખાનેદારોએ બે અઠવાડિયાની તો કેટલાક ૧૦થી ૧૨ દિવસ વેકેશનની જાહેરાત કરી છે.
સુરત ડાયમંડ એસોસિયેશનના જણાવ્યું કે હાલ રશિયાના હીરા આવતા બંધ થઇ જતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં રફ હીરાની શોર્ટેજનો માહોલ છે. જેથી કેટલાક ઉદ્યોગકારોએ ઉત્પાદન ઓછું કરી નાખ્યું છે. જ્યારે કેટલાકે બે અઠવાડિયા સુધીની રજા જાહેર કરી છે. સામાન્ય રીતે હીરાઉદ્યોગમાં ઉનાળામાં કેટલાક ઉદ્યોગકારો એક અઠવાડિયા સુધીનું વેકેશન મૂકે છે પણ ચાલુ વર્ષે રફ હીરાની અછત હોવાથી બે અઠવાડિયા સુધીની જાહેરાત પણ કેટલાક ઉદ્યોગકારોએ કરી છે. હીરાઉદ્યોગકારોએ પોતપોતાની સુવિધા પ્રમાણે રજાઓ જાહેર કરી છે જોકે દિવસેને દિવસે ડાયમંડ ઉદ્યોગ ની પરિસ્થિતિ વિકટ બની રહી છે ત્યારે આ પરિસ્થિતિ ક્યારેય સુધરે છે તે જોવાનું રહ્યું
Comments
Post a Comment