સુરતમાં મિલના જ સિક્યુરિટી ગાર્ડે ઓફિસમાં એકલા બેઠેલા માલિકને લૂંટ્યા, ગળે કોયતો રાખીને 6 લાખની લૂંટ ચલાવી...
મિલની માલિકને લૂંટવાની લાથે અપહરણ કરવાનો પણ પ્રયાસ કર્યો....
સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
સુરતની સચીન જીઆઈડીસી રોડ પર આવેલી ગોવર્ધન સિલ્ક મિલના માલિકને સિક્યુરિટી ગાર્ડે લૂંટી લીધા હતાં. માર્ચ એન્ડિંગ હોવાથી સ્ટાફની ગેરહાજરીમાં ઓફિસમાં એકલા બેઠેલા શેઠના ગળા પર સિક્યુરિટી ગાર્ડે કોયતો રાખીને ભય બતાવી લૂંટ ચલાવી હતી. ઓફિસમાં મિલ માલિકના જરૂરી ડોક્યુમેન્ટ સહિતનો થેલો લૂંટીને અપહરણ કરવાની કોશિષ કરી મૂળ હરિયાણાનો સિક્યુરિટી ગાર્ડ નાસી ગયો હતો. બનાવ સંદર્ભે સચીન જીઆઈડીસી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સિક્યુરિટી કંપનીનો ગાર્ડ હતો
સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર પાંડેસરામાં આવેલી ગ્રુપ ઓફ સિક્યુરિટી કંપનીને ગોવર્ધન સિલ્ક મિલની સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. સવાર અને રાત એમ બે પાળીમાં ગાર્ડ આવતાં હતાં. ત્યારે છેલ્લા છ સાત મહિનાથી આરોપી સુમિત રામકુમાર શર્મા નોકરી પર આવતો હતો. 31મી માર્ચના રોજ ઓફિસમાં સ્ટાફ ન હોવાથી મિલના માલિક પ્રવિણભાઈ વલ્લભભાઈ બાબરીયા એકલા જ હતાં. એ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ સુમિત શર્મા ઓફિસમાં ઘુસી આવ્યો હતો.
લૂંટ સાથે અપહરણની કોશિષ
સુમિત શર્માએ મિલ માલિક પ્રવિણભાઈના ગળા પર કોયતો રાખીને ઓફિસમાં રહેલી કાળા કલરની બેગ લઈ લીધી હતી. બાદમાં પ્રવિણભાઈનું અપહરણ કરવાની કોશિષ કરી હતી. પ્રવિણભાઈની બાઈક પર અપહરણની કોશિષ કરવામાં આવી હતી. જો કે, અપહરણની યોજના સુમિતની સફળ ન રહેતા પ્રવિણભાઈ છટકી જવામાં સફળ રહ્યાં હતાં.
રોકડ સાથે ડોક્યુમેન્ટની લૂંટ
મિલ માલિક પ્રવિણભાઈની પાસેથી રોકડની લૂંટ ચલાવવાની સાથે સાથે બેગમાં રહેલા જરૂરી ડોક્યુમેન્ટની પણ લૂંટ ચલાવવામાં આવી હતી. બેગમાં બેંકની ચેક બુક, પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ સાથે જ પ્રવિણભાઈના પરિવારજનોના પણ સરકારી ડોક્યુમેન્ટ હતાં તેની પણ લૂંટ ચલાવવામાં આવી છે.
સિક્યુરિટી દ્વારા લૂંટનો પ્રથમ બનાવ
સચીન જીઆઈડીસીના પ્રમુક મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, રક્ષણ માટે સિક્યુરિટી રાખવામાં આવતી હોય છે. પરંતુ રક્ષક જ ભક્ષક બન્યા હોય તે રીતે સિક્યુરિટી ગાર્ડ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હોવાનું જીઆઈડીસીમાં પહેલો બનાવ બન્યો છે. આવા તત્વો સામે પોલીસ ઝડપથી આકરી કાર્યવાહી કરી આરોપીને પકડી કડક પગલાં લે તેવી માગ કરાઈ છે.
Comments
Post a Comment