જૂની પેન્શન યોજના પુન: ચાલુ કરવી એ અમારું આગામી લક્ષ્ય : દિગ્વિજયસિંહ જાડેજા...
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડી મુકામે મળી હતી. જેમાં રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા (વન અને પર્યાવરણ), રાજ્ય કક્ષાનાં શિક્ષણમંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલા હાજર રહ્યાં હતાં...
સરદાર ન્યૂઝ:-સુરેન્દ્રનગર
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીષભાઈ પટેલ દ્વારા બન્ને મંત્રીશ્રીઓ સમક્ષ જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા અપીલ કરવામાં આવી, જે અપીલને ધ્યાને લેતાં બન્ને મંત્રીશ્રીઓ તરફથી રાજ્ય સરકાર આપની માંગણીનો યોગ્ય ઉકેલ આપશે તેવા હકારાત્મક પ્રતિભાવ આપ્યાં હતાં. સાથે સાથે ccc પાસ કરવાની મુદત વધારવા પણ ચર્ચા કરી, જેનું સુખદ પરિણામ લાવવાની તેમણે બાંહેધરી આપી હતી.
બન્ને મંત્રીશ્રીઓ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કામગીરીને બિરદાવવામાં આવી અને જણાવ્યું હતું કે જો કોઈ કર્મચારી સંગઠન વધુમાં વધુ કામ કરી સારા પરિણામ આપતું હોય તો તે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ છે.
આ પ્રસંગે સારસ્વત મિત્રોને ઉદેશીને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ શિક્ષકોનું આગવું સ્વતંત્ર સંગઠન છે, આપણું સંગઠન કોઈની તાકાતથી નહીં પણ આપણી સૌની તાકાતથી લોકશાહી ઢબે ચાલતું સંગઠન છે. એક ભરોસો અને વિશ્વાસ રાખજો, આપણાં પ્રશ્નો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં બેનર હેઠળ સોલ્વ થશે. આપ સૌ શિક્ષક ભાઈઓ-બહેનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલ સાચા સૈનિક છો. આપનાં થકી આજે તાલુકાથી માંડી જિલ્લા તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ મજબૂત અને અડીખમ ઊભો છે. સદર કારોબારી સભામાં રાષ્ટ્રીય એવોર્ડ મેળવવા બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનું મંત્રીશ્રીઓનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ મુંજપરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દેવાભાઈ સભાડ તેમજ રાજ્ય સંઘનાં હોદ્દેદારો, કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
Comments
Post a Comment