ગાર્ડનમાં કોલેજ ફ્રેન્ડ સાથે બેઠેલા યુવકને ઉપાડી જઈ માર માર્યો....
પિતરાઈ સાથે 2 લાખ રૂપિયાની લેતી-દેતીમાં ડખામાં અપહરણ, બે યુવકની ધરપકડ, પિતા પાસે 5 લાખ પડાવવા માટે યુવકને ધમકાવ્યો....
સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
ગોડાદરાના ગાર્ડનમાં કોલેજ ફ્રેન્ડ સાથે બેસેલા યુવકનું બાઇક પર અપહરણ કરી બે યુવકોએ ઢોરમાર માર્યો હતો. પિતરાઈ સાથે ૨ લાખની લેતી-દેતીના ઝઘડામાં કોલેજિયન યુવકનું અપહરણ કરી માર મરાયો હતો. ગોડાદરા પોલીસે ગુનો નોંધી બંને યુવકોની અટક કરી હતી.
ગોડાદરામાં રૂપસાગર સોસાયટી ખાતે રહેતા જિગ્નેશ બચુભાઇ જીંજાળા એસવાયબી કોમનો અભ્યાસ કરે છે અને ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં હીરા ઘસવાનું શીખી પણ રહ્યો છે. ગત તા. ૨૬મીએ બપોરે જિગ્નેશ પુણા પાટિયા પહોંચ્યો હતો. અહીંથી કોલેજ ફ્રેન્ડ યુવતી સાથે બાઇક પર ઘર નજીક આવેલા ગાર્ડનમાં તેઓ ગયા હતા. તેઓ ગાર્ડનમાં આગામી પરીક્ષાના લઇ ચર્ચા
કરી રહ્યા હતા ત્યારે ધ્રુવપાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિન વાણિયો અને વિપુલ બલદાણિયાએ ત્યાં આવી " આ મારી બહેન છે, તું અહીંયા તેની સાથે શું કરે છે? " એમ કહી દમદાટી આપી ફોટા પાડવા લાગ્યા હતા. જે મુદ્દે ઝઘડો થયા બાદ અશ્વિને " ઘનશ્યામ જીંજાળા કોણ થાય છે? " એવું પૂછતા જિગ્નેશે ઘનશ્યામ મારા કાકાનો દીકરો છે એવું જણાવ્યું હતું.
ત્યારબાદ યુવતીને ઘરે મોકલી આપી બંને જણાએ જિગ્નેશનો કોલર પકડી મારામારી શરૂ કરી દીધી હતી. બાદમાં બળજબરીથી બાઇક પર બેસાડી અલગ-અલગ અવાવરું જગ્યાએ લઇ ગયા હતા. બંને જણા ગોડાદરામાં સંસ્કૃતિ માર્કેટના પાછળના ભાગે આવેલા રોડ પર લઇ જઇ " ઘનશ્યામ જીંજાળા પાસે બે લાખ લેવાના બાકી છે, તેને અહીંયા બોલાવ" એવું જિગ્નેશને કહ્યું હતું. જેથી જિગનેશે કોલ કરી ઘનશ્યામને સ્થળ પર આવવા કહ્યું પણ તે ગયો ન હતો. ઘનશ્યામ નહિ આવતા ઉશ્કેરાઈને અશ્વિન અને વિપુલે ફરી જિગ્નેશને ઢીકમુક્કીનો માર માર્યો હતો. લોખંડના સળિયાથી પણ હુમલો કરાયો હતો.
પિતા પાસે ૫ લાખ પડાવવા માટે યુવકને ધમકાવ્યો બંનેએ જિનેશને ઘનશ્યામ નહિ આવે તો તારા પપ્પાને ૫ લાખ લઇને અહીં બોલાવ એવું કહી ફરી માર માર્યા બાદ ચપુની અણીએ ડરાવ્યો-ધમકાવ્યો હતો. બાદમાં બંને જણા ઇજાગ્રસ્ત જિગ્નેશને તેના ઘર પાસે આવેલા દવાખાના પાસે મૂકી ભાગી ગયા હતા. બનાવ અંગે જિગ્નેશે ફરિયાદ આપતા ગોડાદરા પોલીસે અશ્વિન વાણિયા અને વિપુલ બલદાણિયા (બંને રહે. ધ્રુવ પાર્ક સોસાયટી, ગોડાદરા) સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
Comments
Post a Comment