નકલી RC બૂકના રેકેટનો પર્દાફાશ: સૂત્રધાર સહિત બે ઝડપાયા
આણંદ એલસીબીની કાર્યવાહી: ઉમરેઠના શખ્સને પકડી લીધા બાદ સૂત્રધાર એવા બનાસકાંઠાના વડગામના રજોસણા ગામના શખ્સને પણ દબોચી લેવાયો
આણંદ એલસીબી પોલીસની ટીમે આણંદ શહેરમાં મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસેથી ઉમરેઠના એક શખ્સને અલગ અલગ આરટીઓની જુદા જુદા વાહનોની 16 જેટલી બનાવતી આરસીબુક (સ્માર્ટ કાર્ડ) સાથે ઝડપી પાડી આ બનાવટી આરસીબુક બનાવનાર બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના રજોસણા ગામનો મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલતા એલસીબીની ટીમે રજોસણા ગામેથી મુખ્ય સૂત્રધારને પણ ઝડપી પાડી આણંદ શહેર પોલીસ મથકમાં બંને વિરુદ્ધ ગુનો દાખલ કરાવી બનાવટી આરસી બુકના રાજ્ય વ્યાપી રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે, બનાવટી આરસી બુક શા માટે બનાવવામાં આવતી હતી, સહિતના મુદ્દાઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં કેટલાક વધુ નામો સાથે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે.
આણંદ પોલીસને બાતમી મળી હતી કે, એક શખ્સ અલગ અલગ આરટીઓ કચેરીની અલગ-અલગ વાહનોની આરસી બુકો લઈ શંકાસ્પદ હાલતમાં ફરે છે. બાતમી મુજબ પોલીસ આણંદ શહેરમાં મહેન્દ્ર શાહ પીક-અપ સ્ટેન્ડ પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમિયાન બાતમી મુજબનો શખ્સ આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી પૂછપરછ કરતા પોતાનું નામ ગુલામમોહંમદ ઉર્ફે ગુલો આદમભાઈ વ્હોરા (રહે. ઉમરેઠ અલ મદીના સોસાયટી મદની મસ્જિદ સામે વીંઝોલ રોડ ઉમરેઠ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અંગજડતી કરતા તેની પાસેથી અલગ-અલગ આરટીઓ કચેરીની અલગ-અલગ વાહનોની 16 જેટલી આર.સી.બુકો(સ્માર્ટ કાર્ડ) મળી આવી હતી. જે બાબતે પૂછપરછ કરતા ઝડપાયેલા ગુલામમોહંમદ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી પોલીસે મળી આવેલ આરસી બુકોને આરટીઓ કચેરીમાં ખરાઇ કરાવતાં પ્રથમ નજરે બનાવટી હોવાનું કે પછી ગેરકાયદેસર રીતે મેળવેલ હોવાનું જણાઈ આવ્યું હતું.

Comments
Post a Comment