હત્યાના ગુનામાં જામીન ઉપર છૂટ્યા બાદ વધુ બે ગુના આચરનાર વોંટેડ આરોપી વરેલીથી ઝડપાયો...
સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે શરીર સંબંધી ગુનામાં વોંટેડ રીઢા આરોપીને વરેલી ખાતેથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલ શખ્સ સુરત શહેરમાં સૂર્યા મરાઠી મર્ડર કેસમાં જામીન ઉપર મુક્ત થયા બાદ સિંગણપોર તથા ચોકબજાર પોલીસ સ્ટેશનના શરીર સંબંધી બે ગુનામાં વોંટેડ હતો. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન તેમજ એક મોપેડ મળી કુલ 43 હજારનો મુદ્દામાલ કબ્જે કરી
આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર કડોદરા જીઆઇ.આઈ.ડી.સી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળતા તેમણે વરેલી બસસ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી. તે દરમ્યાન એક મોપેડ નંબર જીજે-05-એફએક્સ-0477 આવતા તેને અટકાવી ચાલક રોહિત ઉર્ફે મુન્નો દૂધવાલા સુરેન્દ્રભાઈ શુક્લા (રહે, ત્રિલોક સોસાયટી, વેડરોડ, સુરત શહેર, મૂળ રહે, અમાઉ, યુ.પી) ને ઝડપી પાડ્યો હતો. અને ઇગુજકોપ એપ્લીકેશનની મદદથી તેમજ પૂછતાછ કરતાં જાણવા મળ્યું હતું કે પકડાયેલ રોહિત ઉર્ફે મુન્નો સૂર્યા મરાઠી કેસમાં જામીન ઉપર મુક્ત થતાં બાદ સુરત શહેરના સિંગણપોર તથા ચોકબજાર પોલીસ સ્ટેશનના શરીર સંબંધી બે ગુનામાં વોંટેડ હતો.
અને આ રીઢો આરોપી સુરત શહેરના 12 જેટલા ગુનામાં સંડોવાયેલ છે. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ તેમજ મોપેડ મળી કુલ 43 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તેનો કબ્જો સુરત શહેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Comments
Post a Comment