પાટનગરજનોના આગમન પહેલાં હીંચકા તૂટ્યા
14 કરોડનો ખર્ચ: લોકાર્પણના 33 મહિના બાદ સે-28 બાલોદ્યાનના દરવાજા ખુલ્યાં
પાટનગરની આગવી શાન ગણાતા સે-28 બાલોદ્યાનના દરવાજા લાંબા સમય બાદ નાગરિકો માટે ખુલ્યા છે. રૂ.14 કરોડના ખર્ચે આ બગીચાનું નવીનીકરણ થયું હતું અને નવેમ્બર, 2018માં તેનું લોકાર્પણ થયું હતું. જો કે બગીચાના સંચાલન માટે ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલતી હોવાથી નાગરિકો માટે પ્રવેશબંધી આવી ગઈ હતી. સરિતા ઉદ્યાન અને ઈન્દ્રોડા નેચર પાર્ક સહિત શહેરના અન્ય બગીચા નાગરિકો માટે ખુલ્લા મૂકાયા હોવાથી સે-28ના બગીચાનો લાભ પણ નગરજનોને આપવા માટે નિર્ણય લેવાયો છે. બગીચામાં મૂકાયેલા હિંચકા, લપસણી તથા અન્ય સાધનોનો ઉપયોગ નાગરિકો દ્વારા કરાય તે પહેલાં જ હીંચકા તૂટી ગયાં છે અને સાધનો કટાઈ ગયાં છે.
સે-28 બાલોદ્યાન નાગરિકો માટે ખુલ્લો નહીં મૂકાયો હોવાની બાબતે મ્યુનિ. કમિશનર ડૉ. ધવલ પટેલનું ધ્યાન ગયુ હતું. જેથી તેમણે બગીચાને શરૂ કરવા માટે સંબંધિત શાખાને સૂચના આપી હતી. કોરોનાના પગલે બગીચામાં રાઈડ્સ, ખાણી-પીણી સહિતની કામગીરીમાં વિલંબ થયો હતો. જેથી આ કામગીરી સત્વરે હાથ ધરવા અને હાલના તબક્કે નાગરિકો પાસેથી પ્રવેશ ફી નહીં લેવા આદેશ અપાયા હતા. આ સાથે જેટલો સમય પ્રવેશ ફી ન લેવાય તેટલા સમય માટે સંચાલન કરતી એજન્સીને પણ ભાડામાં રાહત આપવાનો નિર્ણય લેવાયો હતો. આ બગીચાનું અગાઉ લોકાર્પણ થઈ ગયું હોવાથી કોઈ કાર્યક્રમ વગર તેને નાગરિકો માટે ખુલ્લો મૂકી દેવાયો છે. બગીચામાં નાના બાળકો માટે હીંચકા અને લપસણીથી માંડીને યુવાનો માટે જીમના સાધનો પણ મૂકવામાં આવ્યા છે. જો કે બગીચો શરૂ થાય તે પહેલાં જ મોટા ભાગના સાધનો પર કાટ ચડી ગયો છે અને કેટલાક ઠેકાણે હિંચકા પણ તૂટી ગયાં છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ બગીચાની આ દુર્દશા થઈ છે ત્યારે રાજકીય વગ ધરાવતી એજન્સી સામે પગલાં લેવાય છે કે કેમ તે જોવું રહ્યું.
10 કરોડનું ટેન્ડર, 14 કરોડનો ખર્ચ
મ્યુનિ. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સે-28ના બગીચાના નવીનીકરણ માટે રૂ. 10 કરોડનું ટેન્ડર અપાયું હતું. એન્જિનિયરિંગ શાખાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ કામગીરીના ખર્ચમાં 40 ટકાનો વધારો થયો હતો. આશ્ચર્યજનક રીતે કોઈપણ જાતની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધર્યા વગર રૂ. ચાર કરોડનો એક્સેસ ખર્ચ મંજૂર કરીને બગીચાનું નવીનીકરણ હાથ ધરાયું હતું. ત્યારબાદ નવેમ્બર, 2018માં તત્કાલિન મ્યુનિ. હોદ્દેદારોના હસ્તે તેનું લોકાર્પણ કરાયું હતું.
Comments
Post a Comment