માત્ર સવા ઇંચ વરસાદમાં પાણી પાણી....
ઠેર ઠેર મુખ્યમાર્ગો પર પાણી ભરાતા ટ્રાફિકજામ: વાણિયાવડ સર્કલથી વાહનોની એક કિ.મી.ની લાંબી લાઇનો લાગી
નડિયાદ શહેરમાં બપોરે માત્ર એક જ કલાકમાં સવા ઇંચ વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઇ ગયા હતા. તેમજ અવરજવર કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર એક જ કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની જાણે પોલ ખુલી ગઇ હોય તેવી સ્થિતી સર્જાઇ હતી. જયારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.
આ અંગેની વધુ માહિતી જોવામાં આવે તો, નડિયાદ શહેરમાં તા.૮મીના રોજ બપોરે એકાએક ભારે ઉકળાટ બાદ આકાશમાં કાળા ડીંબાંગ વાદળો ઘેરાયા હતા. તેમજ વીજળીના ચમકારા થયા હતા. વાદળોના ગડગડાટ સાથે વરસાદ વરસી પડ્યો હતો. શહેરમાં માત્ર એક જ કલાકમાં વરસાદ ખાબકતા માત્ર સવા ઇંચમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. શહેરના વાણિયાવડ વિસ્તાર કે જયાંથી મુખ્ય માર્ગ છે. જે માર્ગથી આણંદ, પેટલાદ અને નડિયાદમાં પ્રવેશવાનો છે. તે માર્ગ પર પાણી ભરાઇ ગયા હતા.વાણિયાવડ સર્કલ પાસે પાણી ભરાઇ જતા વાહનો પણ ખોટકાઇ ગયા હતા. જયારે નડિયાદ શહેરના નાના કુંભનાથ રોડ, સિવિલ હોસ્પિટલ તરફ જવાનો માર્ગ, સંતરામ રોડ, મહાગુજરાત માર્ગ, તેમજ નિંચાણવાળા વિસ્તાર એવા દેસાઇ વગા તરફ જવાનો માર્ગ અને શૈશવ હોસ્પિટલ તરફ જવાના માર્ગ પર પાણી ભરાઇ ગયા હતા. જયારે કેટલાક વાહનચાલકોએ પાર્ક કરેલી ગાડીઓ પણ પાણીમાં ડૂબી ગઇ હતી. આમ સામાન્ય વરસાદ ખાબકતા નગરના વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા કાંસ જાણે વ્યર્થ હોય તેમ સાબિત થયા હતા.
Comments
Post a Comment