આણંદ જિલ્લા AAPના તમામ હોદેદારોના સામુહિક રાજીનામાં
પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો મનસ્વી વર્તન કરતા હોવાનો આક્ષેપ...
આણંદ જિલ્લામાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલ આમ આદમી પાર્ટીનો વરઘોડો માંડવે નહિ પહોંચતા આજે જિલ્લાના તમામ હોદ્દેદારોએ સામુહિક રાજીનામા આપી દઇ પક્ષના ઉચ્ચ હોદ્દેદારો મનસ્વી વર્તન કરતા હોવાનો આક્ષેપ કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
કોંગ્રેસના ગઢ ગણાતા આણંદ જિલ્લામાં ભાજપે પકડ મજબૂત બનાવી છે અને કોંગ્રેસનું નામ જિલ્લામાંથી ભૂંસી નાખવા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લામાં ત્રીજા રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ પોતાને પ્રસ્થાપિત કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. અને નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તેમાં અંશત: સફળતા પણ મળી હતી. પેટલાદ નગરપાલિકામાં પાંચ અને ખંભાત અને બોરસદ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના એક-એક કાઉન્સિલર ચૂંટાઇ આવ્યા હતા અને આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને ઉભા રાખે તો કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષને નુકશાન વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઇ હતી. પરંતુ આમ આદમી પાર્ટીના અંદરો અંદરના ડખાના કારણે આમ આદમી પાર્ટીનો વરઘોડો માંડવે પહોંચી શક્યો નથી.
આણંદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિપાવલીબેન ઉપાધ્યાયે આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી જણાવ્યું હતું કે,‘પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો મનસ્વી વર્તન કરે છે. પાર્ટીના હિતમાં કામ કરનાર સભ્યને સભ્યપદથી દૂર કરવાની ગુસ્તાખી કરવામાં આવી છે. જેને લઇને આજે આણંદ જિલ્લા આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારોએ પોતાના હોદ્દા પરથી અને પક્ષના સભ્યપદથી રાજીનામું આપી દીધું છે અને પોતે જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ કરેલી નિમણૂંક રદ્દ કરું છું તેમ જાહેર કર્યુ હતું. અને આ મતલબનો પત્ર પણ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો હોવાનું જણાવ્યું હતું.
કિસાન મોરચાના પ્રમુખને હોદ્દા પરથી દૂર કરાતા કાર્યકરોમાં આક્રોશ વ્યાપ્યો
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ રવિભાઈ પટેલને સસ્પેન્ડ કરતા આણંદ જિલ્લાના કાર્યકરોમાં આક્રોશ વ્યાપી ગયો છે. અને પ્રદેશ કક્ષાએથી લેવાયેલ મનસ્વી નિર્ણયના વિરોધમાં આણંદ જિલ્લાના તમામ કાર્યકરોએ પોતાના રાજીનામા ધરી દીધા છે.
મહિલા પ્રમુખનું પાર્ટીના પ્રદેશ પદાધિકારીઓએ અપમાન કર્યાની ચર્ચા
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પદાધિકારીઓએ જ્યારે કરમસદ સરદાર પટેલ ગૃહની મુલાકાત લીધી હતી. ત્યારે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓએ આણંદ જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ દિપાવલીબેન ઉપાધ્યાયનું અપમાન કર્યું હોવાની પણ ચર્ચા બહાર આવી હતી.
Comments
Post a Comment