મહેસાણા માં 20 ખેડૂતો સરકારી સહાયથી ‘ડ્રેગન ફ્રૂટ’નું વાવેતર કરશે

મહેસાણા જિલ્લાના છ તાલુકાઓમાં ખેડૂતો ઓછા પીયતવાળી ડ્રેગન ફ્રૂટની બાગાયત ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે 
કેતન પટેલ-મહેસાણા

મહેસાણા જિલ્લાના ખેડૂતો પણ વરસાદની અનિયમિતતા તેમજ વાતાવરણમાં નોંધપાત્ર બદલાવના કારણે બાગાયતી પાક ડ્રેગન ફ્રુટની ખેતી તરફ વળ્યા છે. ગરમ અને ભેજવાળા વાતાવરણ ડ્રેગન ફ્રુટના છોડને માફક હોવાથી જુનથી લઈને ઓગસ્ટ સુધી વાવેતર કરવામાં આવે છે. તદ્દન ઓછા પાણી અને દુષ્કાળગ્રસ્ત સ્થિતિ કે ફળદ્રુપતા ન ધરાવતી જમીનમાં ઉછેરી શકનાર ડ્રેગન ફ્રુટ અનેક ઔષધિય ગુણ ધરાવનાર હોવાથી તેની માંગમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.
મુળ વિદેશી ફ્રુટ ગણાતા પરંતુ અનેક ગુણોથી ભરપુર ડ્રેગન ફ્રુટની ખેતીને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે કમળના ફુલ જેવા દેખાતા ડ્રેગન ફ્રુટને કમલમ્ ફ્રુટ તરીકે નામાકરણ કરી બાગાયત ખેતી હેઠળ ખેડૂતોને સરકારી સહાય આપવા ખાસ યોજનો અમલી મુકી છે. ડ્રેગન ફ્રુટની ખેતી પ્રારંભિક તબક્કામાં ખર્ચાળ હોવાથી સામાન્ય ખેડૂતોને નિયત હેકટર વિસ્તારોમાં કરાયેલ ડ્રેગન ફ્રુટના વાવેતર માટે ૫૦ ટકા જેટલી સહાય આપવા સરકારે નિર્ણય લીધો છે.
વરસાદની અનિયમિતતા તેમજ સિંચાઈના સ્ત્રોતના અભાવે ૬ તાલુકાઓના ૨૦ જેટલા ખેડૂતોએ સરકારી સહાયથી ડ્રેગન ફ્રુટની ખેતી કરવા ઓનલાઈન નોંધણી કરાવી છે. જેમાં વિજાપુર, સતલાસણા, જોટાણા, વિસનગર, કડી તેમજ મહેસાણા તાલુકાના ખેડૂતોએ પસંદગી ઉતારી છે. બીજી તરફ રાજ્ય સરકારના આદેશથી ડ્રેગન ફ્રુટની બાગાયત ખેતી કરવા ઈચ્છુક ખેડૂતોની સહાય મેળવવાની અરજીઓને બાગાયત ખાતાની સ્થાનિક કચેરીએ મંજુરી પણ આપી દીધી છે.


Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...